Saturday, 10 August 2013

સ્વર્ણિમ ગુજરાત


 સ્વર્ણિમ ગુજરાતના નિર્માણ માટે પ્રત્યેક ગુજરાતી સંકલ્પબદ્ધ થયા (29/04/2011)
વાંચે ગુજરાત અને યુવાનોના સમયદાન સ્વરૂપે વિશાળ સફળ જન અભિયાનો
વિશ્વ શાંતિના કેન્દ્ર સમાં મહાત્મા મંદિરનું નિર્માણ
ખેલ મહાકુંભ અને સ્વર્ણિમ ચેસ સ્પર્ધા દ્વારા ગુજરાતના અનોખા વિશ્વ વિક્રમ
પંચ શક્તિ આધારિત સર્વાંગી વિકાસનું ગુજરાત મોડેલ અદ્વિતીય
           પહેલી મે, ૧૯૬૦ના દિને બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌગુજરાતીઓએ આગવા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ લીધા હતા. આજે ગુજરાત રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્ય તેની સ્થાપનાનું સ્વર્ણિમ જયંતી વર્ષ ઊજવી રહ્યું છે ત્યારે સ્વરાજને સુરાજ્યમાં પરિવર્તિત કરવાના ગુજરાતના પુરૂષાર્થને વધુ વેગવાન બનાવવા સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ થયા છે. રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિની ઊજવણીનું સમાપન પણ ભવ્યાતિભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. તા. ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ સુધી સમાપન ઉત્સવ યોજાશે. જેમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતે છેલ્લા એક દશકમાં સાધેલા વિકાસને રજૂ કરતું મેગા પ્રદર્શન, બિન નિવાસી ભારતીય અને બિન નિવાસી ગુજરાતી સંમેલન અને રાજ્ય સ્થાપના દિન તા. ૧લી મે, ૨૦૧૧ના રોજ ‘‘આગે કદમ ગુજરાત’’ સાંસ્કૃતિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વિકાસગાથાને રજૂ કરાશે.
            સ્વર્ણિમ જયંતીની ઊજવણીમાં પણ ગુજરાતની આગવી દષ્ટિના દર્શન થયા. ગુજરાતની સુદીર્ઘ સમૃદ્ધિનું પ્રભાત ઉગ્યું. ગુજરાતે સ્વર્ણિમ જયંતિ વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યનાં સર્વાંગી,સાર્વદેશિક, સર્વસમાવેશક વિકાસ માટે સમર્પિત થવા સંકલ્પ લીધા.
 
સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ – ૨૦૧૦
            ગુજરાત વિધાનસભા ગૃહમાં તા. ૧ જાન્યુઆરી-૨૦૧૦ના સુવર્ણ પ્રભાતે વિકાસમાં વિવાદ નહીં અને પ્રગતિમાં પક્ષાપક્ષી નહીં એવી ઉદ્દાત ભાવના સાથે સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદ યોજાઇ. જેમા ગુજરાતના વર્તમાન અને ભૂતપૂર્વ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અને સ્વરાજ પ્રાપ્તિ પછી સુરાજ્યના નિર્માણ માટે સમાજશક્તિને નેતૃત્વ પ્રેરિત કરવારાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાકલ કરી જેને સૌ જનપ્રતિનિધિઓએ એક સૂરમાં વધાવી લીધી. સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ એ રીતે વિકાસના એક સૂર, એક લય અને એક તાલનો ત્રિવેણી સંગમ બની રહી અને ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આ ઐતિહાસિક ક્ષણ સુવર્ણ અક્ષરે કંડારાઇ ગઇ.
 
ઇન્ટરનેશનલ સેમિનાર ઓન બુદ્ધિસ્ટ હેરિટેજ
            બૌદ્ધ ધર્મની પ્રાચીન ભવ્યતા, સભ્યતા અને તેના ઇતિહાસ તથા પુરાતન વારસાથી ગુજરાતસમૃદ્ધ છે. સ્વર્ણિમ જયંતિ વર્ષે બૌદ્ધ ધર્મના વડા દલાઇ લામાની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ સેમિનાર ઓન બુદ્ધિસ્ટ હેરિટેજનું વડોદરા ખાતે આયોજન થયું. જેમાં ગુજરાતમાં ભવ્ય બૌદ્ધ મંદિરના નિર્માણના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા દલાઇ લામાએ સહયોગ આપવા ખાતરી આપી હતી.
 
 
સ્વર્ણિમ પ્રજાસત્તાક પર્વ
            રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ ઉપરાંત ભારતના બંધારણના નિર્માણને ૬૦ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ૬૧માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ઊજવણી કરવામાં આવી. આ અવસરે ભારતના સંવિધાનના સન્માન અને વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. બંધારણને ઐરાવતની અંબાડી ઉપર મૂકીને સન્માનપૂર્વક યાત્રા યોજાઇ હતી. સાથે ૬૦ જેટલી મહિલા મસ્તક ઉપર બંધારણ ગ્રંથ ધારણ કરી જોડાઇ હતી.
 
સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રા
                રાજ્યના નાગરિક રાજ્યની સુવર્ણ જયંતિ ઊજવણીમાં સહભાગી બની શકે અને સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં જન જન જોડાઇ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બને તે માટે સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રા યોજાઇ. પહેલી મે-૨૦૦૮ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એવા સ્વ. ડૉ. જીવરાજ મહેતાના વતન એવા અમરેલી ખાતેથી સ્વર્ણિમ જ્યોત રથયાત્રાનાં પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા રાજ્યના ૨૨૯ શહેરોમાં ફરી હતી. યાત્રા દરમિયાન ૩૯ લાખ જેટલાં શહેરીજનોએ વ્યક્તિગત સંકલ્પ લીધા હતા. જ્યારે પૂ. રવિશંકર મહારાજની જન્મજયંતી ૧૨મી ફેબ્રુઆરી-૨૦૧૦ના દિને ૨૬ જિલ્લાના ૨૨૩ તાલુકાના ૧૯૧૬૫ ગામને જોડતી બીજા તબક્કાની સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને ૧૪મી એપ્રિલ-૨૦૧૦ ડૉ. આંબેડકર જયંતીના દિનેઆ યાત્રા પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે વયસ્ક વડિલોનું વયવંદના દ્વારા સન્માન અને વિશિષ્ટ વ્યક્તિઓનું બહુમાન કરાયું હતું. લાખો લોકો યાત્રા દરમિયાન સંકલ્પબદ્ધ થયા હતા.
 
વાંચે ગુજરાત અને યુવા શક્તિનું સમયદાન – બે જન અભિયાનો
                ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષ અવસરે પ્રજામાં વાચનની અભિરૂચિ કેળવવાના જન અભિયાન ‘‘વાંચે ગુજરાત’’ તથા રાજ્યના યુવાનો જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપે તે માટે પ્રેરિત કરતા જન અભિયાનની ઘોષણા થઈ. જે અંતર્ગત તા. ૩૦મી ઓક્ટોબર-૨૦૧૦ના રોજ ‘‘એક સાથે વાંચે ગુજરાત’’નો અભિનવ કાર્યક્રમ યોજાયો. જેમાં રાજ્યભરના ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એક સાથે એક કલાક વાંચન કરી નવો વિક્રમ સર્જ્યો હતો, અને વિશ્વભરમાં ક્યારેય ક્યાંય ન થયેલાં પ્રેરક વાંચન પ્રયોગનું સાક્ષી સ્વર્ણિમ ગુજરાત બન્યું હતું. વાંચે ગુજરાત અભિયાનઅંતર્ગત એક કલાકના સમૂહ વાંચનના વિશ્વ અભિનવ પુસ્તક વાંચન જન અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી બન્યા હતા. અને મહાત્મા ગાંધીજી લિખિત ‘‘હિન્દ સ્વરાજ્ય’’ નામનું પુસ્તક ગાંધીનગરના મધ્યસ્થ ગ્રંથાલયમાં બેસીને વાંચ્યુ હતું.
આ અભિયાન અંતર્ગત ગુજરાતે તરતાં પુસ્તકનો નવો જ પ્રયોગ કરી બતાવ્યો. જેના કારણે અનેક ગુજરાતીઓને સારા પુસ્તકો વાચન માટે ઉપલબ્ધ થયા. આ જ રીતે રાજ્યના લાખો યુવાનો જન સેવા માટે ૧૦૦ કલાક સમયદાન માટે સંકલ્પબદ્ધ થયા. આ અભિયાન અંતર્ગત તા. ૨ ડિસેમ્બર-૨૦૧૦થી શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનો પ્રારંભ થયો. જેમાં ૧૫ હજાર શાળાના ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ એક કરોડ જેટલાં પુસ્તકોનું વાંચન કર્યું.
 
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
                ગુજરાતની સ્વર્ણિમ જયંતિ અવસરે રાજ્યના સમગ્ર શહેરી વિકાસ ક્ષેત્રમાં ગુણાત્મક પરિવર્તન લાવવા R૭૦૦૦ કરોડની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી. જે અંતર્ગત રાજ્યના સાત મહાનગરો તેમજ ૧૫૯ નગરપાલિકાઓને વિકાસ માટે ગ્રાંટ ફાળવવામાં આવી. જેના કારણે શહેરોમાં માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઇ.
 
સ્વર્ણિમ ગુજરાત ક્વીઝ કોમ્પીટીશન
                ગુજરાતની સ્વર્ણિમ જયંતિ વર્ષે દરેક ગુજરાતની જ્ઞાન-માહિતીના ભંડારમાંથી વિચારબીજ વાવીને જ્ઞાનનું વટવૃક્ષ સર્જે અને જ્ઞાન સંપન્ન ગુજરાતના નિર્માણમાં પ્રત્યેક ગુજરાતી યોગદાન આપે તે ઉદ્દેશ સાથે સ્વર્ણિમ જયંતિ ઓનલાઇન ગુજરાત ક્વીઝ કોમ્પીટીશનની શરૂઆત કરવામાં આવી. જેમાં ગુજરાતને લગતા ૫૦૦૦ પ્રશ્નોની બેન્ક તૈયાર કરાઇ અને આ ક્વીઝ સ્પર્ધામાં લોકોએ ઓનલાઇન ભાગ લીધો.
 
ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ
                સમગ્ર વિશ્વની શાંતિ અને માનવ કલ્યાણ માટેની આશાનું કેન્દ્ર મહાત્મા મંદિર બને તે સંકલ્પ સાથે ગુજરાત સ્થાપના દિન પહેલી મે, ૨૦૧૦ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. સેન્ટ્રલ વિસ્ટાના ૩૫ એકરમાં આકાર લેનારું મહાત્મા મંદિર મહાત્મા ગાંધીજીના જીવન સંદેશ અને ગુજરાતના આધુનિક વિકાસને સુસંગત ઇન્ટરનેશનલ કન્વેેન્શન સેન્ટર બનશે. એટલું જ નહીં ગાંધી સ્મારક, ગાંધી ગાર્ડન ઉપરાંત દાંડીકૂચથી નમક પર્વત બ્રીજ અને આર્થિક સ્વનિર્ભરતાની પ્રતિકૃતિરૂપે વિશાળ ચરખો મહાત્મા મંદિરના અનોખા આકર્ષણ બન્યા.
                વિશ્વના અનેક દેશોમાંથી લવાયેલાં પવિત્ર જળ અને માટી ઉપરાંત ભારતભરની ૩૧ પવિત્ર નદીઓ અને ૫૧ પ્રદેશોની ધરતીની માટી ઉપરાંત રાજ્યના ૧૮૦૦૦ ગામડાં અને શહેરોની પવિત્ર માટી અને જળનો અભિષેક આ મહાત્મા મંદિરના પાયામાં કરવામાં આવ્યો. તા. ૭મી જૂન, ૨૦૧૦ના રોજ છ ફૂટ લાંબી દોઢ ફૂટ વ્યાસવાળી ૯૦ કિલોગ્રામની ઐતિહાસિક ટાઇમ કેપ્ટસ્યુલ-સ્મૃતિ મંજૂષાનું મુખ્યમંત્રીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું. જેમાં મહાત્મા મંદિરની પરિકલ્પના, મંદિરના પાયામાં સિંચાયેલા પવિત્ર જળ-માટીના કૂંભ લાવનારાઓની નામાવલિ, સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની તવારિખ, ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના વખતે પૂ. રવિશંકર મહારાજે કરેલું અક્ષરશઃ પ્રવચન તેમજ ૧લી જાન્યુઆરી-૨૦૧૦ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહના વિશેષ સત્રમાં પસાર કરાયેલો પ્રસ્તાવ ઉપરાંત સ્વર્ણિમ ગુજરાત ઊજવણીના કાર્યક્રમોની સીડી સહિતનું સાહિત્ય ગુજરાતી સહિત હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં લખીને મૂકવામાં આવ્યું હતું. સ્ટેનલેસ સ્ટીલની આ કેપ્ટસ્યુલમાં ૨૯ જેટલી સીડી ઉપરાંત ૩ ફૂટ પહોળાં અને ૧૦૦ ફૂટ લાંબા સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાયેલા વિશિષ્ટ પત્ર ઉપર વિગતો લખીને મૂકવામાં આવી હતી.
                મહાત્મા મંદિરના શિલાન્યાસ બાદ ૧૮૨ દિવસના વિક્રમ રૂપ ટૂંકાગાળામાં મંદિરનું મોટાભાગનું કાર્ય સંપન્ન કરીને પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરાયું. જેમાં ૮૦ રાષ્ટ્રો અને ૧૬ રાજ્યોના ડેલીગેશન્સ ઉપસ્થિત રહ્યા હતા અને R ૪૫૦ બિલિયન યુ.એસ. ડોલર એટલે કે R ૨૦.૮૩ લાખ કરોડના ૭૯૩૬ રોકાણો માટેના સમજૂતી કરારો કરાયા હતા. જેનાથી બાવન લાખ યુવાનોને નવી રોજગારીનો અવસર પ્રાપ્ત થવાનો અંદાજ રખાયો હતો.
 
સ્ટેચ્યુ ઓફ યુનિટી
                ૬ઠ્ઠી ઓકટોબર, ૨૦૧૦ના રોજ કેવડિયા કોલોની નર્મદા ડેમ સાઇટ ખાતે વિશ્વમાં ઊંચામાં ઊંચી એવી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. ૧૮૨ મીટરની ઊંચાઇ ધરાવતી આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત થાય તેવા સંકલ્પ સાથે આ પ્રતિમા મૂકવામાં આવશે.
 
સ્વર્ણિમ ગુજરાત સંસ્કૃત મહાકુંભ
                આપણી શ્રેષ્ઠ સાંસ્કૃતિ વિરાસતની જ્ઞાન સંપદાની વિશ્વ સમક્ષ ઓળખ ઉભી કરવા સંસ્કૃતનો મહિમા વિશ્વમાં પ્રસ્થાપિત કરવા સોમનાથ ખાતે તા. ૩જી ડિસેમ્બરથી ત્રિદિવસીય સ્વર્ણિમ ગુજરાત રાષ્ટ્રીય સંસ્કૃત મહાકુંભ યોજાયો. જેમાં રાષ્ટ્રીય કક્ષાના સંસ્કૃત પંડિતો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાકુંભમાં સંસ્કૃત કવિ સંમેલન, ભાસ નાટ્યોત્સવ, યુવક મહોત્સવ, વેદ મંત્રોચ્ચાર પ્રતિયોગીતા ઉપરાંત એક લાખ વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં સંભાષણની તાલીમ જેવા અનેકવિધકાર્યક્રમો હાથ ધરાયા હતા.
 
ક્રાંતિતીર્થનું નિર્માણ
                ગુજરાતના સ્વર્ણિમ જયંતિ અવસરે ભારતની આઝાદીના સશસ્ત્ર સંગ્રામની ક્રાંતિકારી તવારિખોના વિસરાતા ઇતિહાસને સજીવન કરતા ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માના ભવ્ય સ્મારક ક્રાંતિતીર્થનું કચ્છના માંડવી ખાતે મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. આ ક્રાંતિતીર્થ ભારતમાતા માટે સમર્પિત જીવન જીવવાની વૈશ્વિક પ્રેરણાનું મહાતીર્થ બની રહેશે. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે.
 
ખેલ મહાકુંભ
                ગુજરાતના યુવાનો રમત ગમત ક્ષેત્રે જાગૃત થાય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના કૌશલ્યવાન યુવાનો પોતાનું કૌશલ્ય ઝબકાવે તે ઉદ્દેશથી રાજ્યની સ્વર્ણિમ જયંતિ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાયો હતો. તા. ૨૦મી નવેમ્બર-૨૦૧૦ના રોજ અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો અને ૨૧મી નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીના ૨૪ દિવસના આ મહાકુંભમાં ચાર વયજૂથમાં જુદી જુદી ૧૬ રમતોની સ્પર્ધાઓ રાજ્યના ૧૧૦૦ સ્થળે યોજાઇ હતી. જેમાં ૧૩ લાખ જેટલાં ખેલાડીઓ, સ્પર્ધા આયોજકો અને રમત પ્રશિક્ષકો મળી કુલ૧૪ લાખનો ખેલ સમુદાય રમતના મેદાનમાં ખેલદીલીથી ભાવના સાથે રમ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરનારા ૧૯ રાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું અને મુખ્યમંત્રીએ ગુજરાતમાં સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
 
સ્વર્ણિમ ચેસ મહોત્સવ
                સ્વર્ણિમ જયંતિ વર્ષે ગુજરાતે શતરંજ જેવી વિશ્વ પ્રસિદ્ધ રમત ક્ષેત્રે જનશક્તિના સાક્ષાત્કારનો ઐતિહાસિક અવસર સર્જ્યો. અમદાવાદ ખાતે તા. ૨૪મી ડિસેમ્બર-૨૦૧૦ના રોજ યોજાયેલાં સ્વર્ણિમ ચેસ રમતોત્સવમાં એકી સમયે સામ સામે બેસીને ૨૦ હજાર ખેલાડીઓ શતરંજ રમ્યાં અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતના આ વિશ્વ વિક્રમની નોંધ કરવામાં આવી. ગુજરાતે શતરંજની રમતમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો. એટલું જ નહીં, શતરંજની રમતના વિશ્વ વિજેતા વિશ્વનાથન આનંદે એક સાથે ૬૪ ટેબલ ઉપર શતરંજના ખેલાડીઓને નિદર્શન પૂરું પાડ્યું હતું. આસ્પર્ધામાં ૧૪૦ જેટલાં સ્પર્ધકો પ્રજ્ઞાચક્ષુ હતા. અગાઉ વર્ષ ૨૦૦૬માં મેક્સિકો ખાતે યોજાયેલી ચેસ ટુનાર્મેન્ટમાં ૧૩,૩૪૬ ખેલાડીઓએ શતરંજ રમીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ સ્વર્ણિમ ચેસ રમતોત્સવ બાદ આ વિશ્વ વિક્રમ એ ગુજરાતના નામે નોંધાયો અને ગુજરાતને વૈશ્વિક ગૌરવ મળ્યું.
 
સ્વર્ણિમ સૂર્ય તીર્થ
                ઉત્તર ગુજરાતના રણકાંઠે એશિયાભરના સૌથી વિશાળ એવા ગુજરાત સોલાર પાર્કનો તા. ૩૦મીડિસેમ્બર-૨૦૧૦ના રોજ ઐતિહાસિક કાર્યારંભ કરાવ્યામાં આવ્યો. પ્રથમ તબક્કે ઉત્તર ગુજરાતના સાંતલપુર નજીક ચારણકા ગામે ૧૦૦૦ એકર સરકારી પડતર જમીન સૂર્ય ઊર્જાથી ઝળહળશે. આ સ્વર્ણિમ સૂર્ય તીર્થમાં દેશ-વિદેશની કંપનીઓ દ્વારા કુલ R ૭૫૦૦ કરોડનું મૂડી રોકાણ થશે અને ૫૦૦ મેગાવોટ સૌર ઊર્જાનું ઉત્પાદન થશે.
 
નર્મદા કેનાલ – પાણી પરમાત્માનો પ્રસાદ
                સ્વર્ણિમ જયંતિ વર્ષે નર્મદા કેનાલના શાખા નહેરોના બાંધકામની કામગીરી વ્યાપક સ્તર ઉપર હાથ ધરીને ગુજરાતના પ્રત્યેક ગામમાં પાણી પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. પાણી એ પરમાત્માનો પ્રસાદ છે એ ભાવ સાથે એક જ મહિનામાં રાજ્ય સરકારે કચ્છ અને સૌરાષ્ટ્રની નર્મદા શાખા નહેરોના R ૯૧૦૦ કરોડના કામોનો એક સાથે પ્રારંભ કર્યો.
 
પંચ શક્તિ સ્વર્ણિમ ઉત્સવ
                રાજ્યનો સર્વાંગી વિકાસ પંચ શક્તિ આધારિત થાય તેવી નેમ મુખ્યમંત્રીએ રાખી છે. જન શક્તિ, રક્ષા શક્તિ,જ્ઞાન શક્તિ, ઊર્જા શક્તિ અને જળ શક્તિ એ પાંચ શક્તિઓ આધારિત રાજ્યમાં પાંચ પ્રાદેશિક ઝોનમાં વિકાસ ઉત્સવ ઉજવાયો. વિકાસમાં જનભાગીદારી, રાજ્યની સલામતી અને સુરક્ષા ક્ષેત્રની વિકાસ યાત્રા, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તેમજ કૃષિ મહોત્સવ દ્વારા જ્ઞાન શક્તિથી વિકાસ અને શ્રેષ્ઠ ઊર્જા વ્યવસ્થાપન તેમજ શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન દ્વારા વિકાસના નૂતન પરિણામો આ પંચશક્તિ દ્વારા મેળવાયા છે તેની ગાથા આ ઉત્સવોમાં કરવામાંઆવી હતી.
 
સ્વર્ણિમ સમાપન ઉત્સવ
                રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિની ઊજવણીનું સમાપન પણ ભવ્યાતિભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. તા. ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ સુધી સમાપન ઉત્સવ યોજાશે. જેમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતે છેલ્લા એક દશકમાં સાધેલા વિકાસને રજૂ કરતું મેગા પ્રદર્શન, બિન નિવાસી ભારતીય અને બિન નિવાસી ગુજરાતીસંમેલન અને રાજ્ય સ્થાપના દિન તા. ૧લી મે, ૨૦૧૧ના રોજ ‘‘આગે કદમ ગુજરાત’’ સાંસ્કૃતિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વિકાસગાથાને રજૂ કરાશે.

No comments:

Post a Comment